આજકાલ સ્માર્ટફોન દરેકના જીવનનો એટલો અગત્યનો ભાગ બની ગયો છે કે એક દિવસ પણ તેના વિના ચલાવવો મુશ્કેલ છે. પણ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ફોનની બેટરી શા માટે ઝડપથી ખાલી થઈ જાય છે? કેમ તમારા ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે? જયારે આવું થવા લાગે ત્યારે આપણે નક્કી કરી લઈએ છીએ કે “ફોન જૂનો થઈ ગયો છે”. પણ ખરેખર આવું થવા પાછળ કારણ બીજું પણ હોય શકે છે, જેમ કે ફોન વાપરવાની આપણી કેટલીક ખોટી ટેવો!
જો તમે પણ તમારી બેટરીને વધુ લાંબો સમય સુધી સારી હાલતમાં રાખવા માંગતા હો, તો આ લેખ ખાસ તમારા માટે છે. અહીં આપણે જાણીશું એવા સરળ ઉપાયો જે તમારા ફોનની બેટરીને થોડા માસ નહિ, પરંતુ વર્ષો સુધી એવીને એવી ટકાવી રાખશે – એ પણ કોઈ ટેક્નિકલ ભાષા વિના, એકદમ સરળ શબ્દોમાં. આખો લેખ વાંચો અને જાણો કે તમે કેવી રીતે તમારા સ્માર્ટફોનની બેટરી હેલ્થ ટકાવી રાખી શકો છો, અને રોજબરોજની ખોટી ટેવોને બદલીને કેવી રીતે વધુ સારો ઉપયોગ મેળવી શકો છો.
બેટરી હેલ્થ એટલે શું ? બેટરી કઈ રીતે કામ કરે છે?
જ્યારે તમે નવા ફોન લાવો છો, ત્યારે તેની બેટરી ઝડપથી ચાર્જ થાય છે અને લાંબો સમય ચાલે છે. પણ થોડા મહિના પછી એ જ ફોનની બેટરી પહેલાં કરતાં ઓછી ચાલે છે. શું આ સ્વાભાવિક છે? હા, અને આ પાછળનું કારણ છે – બેટરી હેલ્થનો ઘટતો સ્તર.
તમારા સ્માર્ટફોનમાં જે બેટરી હોય છે, એ મુખ્યત્વે લિથિયમ-આયન (Li-ion) પ્રકારની હોય છે. આવી બેટરીઓનું એક મર્યાદિત આયુષ્ય હોય છે. સામાન્ય રીતે, Li-ion બેટરી 300થી 500 ચાર્જ સાઈકલ સુધી સારું કામ કરે છે. એક ચાર્જ સાઈકલ એટલે તમે બેટરીને 0% સુધી ખાલી કરો અને ફરીથી તેને 100% સુધી ચાર્જ કરો.
પરંતુ આપણે દરરોજ આવા સંપૂર્ણ સાઈકલમાં નથી જતા. આપણે ઘણી વખત 30% થી 80% સુધી ચાર્જ કરીએ છીએ. ત્યારે પણ ધીમે ધીમે, વપરાશ દરમિયાન બેટરીની અંદર કેમિકલ પ્રોસેસ થતી રહે છે, જેની અસરથી બેટરી પોતાની મૂળ ક્ષમતા ગુમાવા લાગે છે. એટલે જ થોડા સમય પછી 100% ચાર્જ હોવા છતાં ફોન ઓછો સમય ચાલે છે.
અહીં મહત્વની વાત એ છે કે – બેટરી હેલ્થ ઘટવી એ એક કુદરતી પ્રક્રિયા છે, પણ આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આ પ્રક્રિયાને ધીમી કરી શકીએ છીએ. જો તમે રોજબરોજ તમારા ફોનને યોગ્ય રીતે ચાર્જ કરો, વધુ ગરમીથી બચાવો અને બેટરીને અનાવશ્યક રીતે ખાલી થવા ન દો, તો તમે એ બેટરી વધુ લાંબો સમય સુધી ચલાવી શકો.
બેટરી હેલ્થ સારી રાખવા માટે શું કરવું જોઈએ?
અહીં અમે કેટલાક સરળ ઉપાય આપેલા છે જે અનુસરી તમે તમારા ફોનની બેટરી હેલ્થ વધારી શકો છો :
1. ફોનને વધારે ગરમ અને ઠંડકથી બચાવો
તાપમાન બેટરી માટે મોટો દુશ્મન છે. વધુ ગરમી કેમિકલ પ્રોસેસ ઝડપથી કરાવે છે જે બેટરીને વધુ અસર કરે છે, જ્યારે વધારે ઠંડું તે પ્રોસેસ ધીમું કરી બેટરીને વધારાનું લોડ આપે છે. ફોનને 10°C થી 45°C વચ્ચે રાખવો શ્રેષ્ઠ છે.
2.ફોનને સંપૂર્ણ રીતે ડીસ્ચાર્જ અને 100% સુધી ચાર્જ પણ ન કરો
આજના સ્માર્ટફોનને “કેલિબ્રેશન”ની જરૂર નથી. સંપૂર્ણ 0% થી 100% સુધી ચાર્જ કરવું હવે જરૂરી નથી અને એથી બેટરીને નુકસાન પણ થઈ શકે છે. નિયમિત રીતે ફોનને 20% થી 80% સુધી રાખવો વધુ સારું છે.
3. ફોનને વારંવાર ચાર્જ કરો
એકસાથે સંપૂર્ણ ચાર્જ કરવાને બદલે થોડા થોડા માટે ચાર્જ કરવું વધુ હિતાવહ છે. જેમ કે 40% પર ચાર્જમાં મૂકવો અને 80-85% સુધી લઈ જવો, આ રીતે બેટરી પર ઓછી અસર પડે છે.
4. ફોનને રાતભર ચાર્જ ન કરો
ઘણાં લોકો રાતે ફોન ચાર્જમાં મૂકી સુઈ જાય છે. પરંતુ આ રીતે 100% સુધી પહોંચ્યા બાદ પણ “ટ્રિકલ ચાર્જિંગ” ચાલુ રહે છે, જે બેટરીના અંદરના ભાગમાં લિથિયમ પ્લેટિંગ કરે છે અને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.
5. ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરો
ચાર્જિંગ સમયે ફોન ગરમી પેદા કરે છે. જો એ સમયે તમે ફોન વધુ વાપરો છો, તો વધુ ગરમીથી બેટરી પર વધુ દબાણ આવે છે. શ્રેષ્ઠ રીત એ છે કે ચાર્જિંગ સમયે ફોન ઓછો વાપરો અથવા ન વાપરો.
બેટરી હેલ્થ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો
1. શું બેટરી હેલ્થ પાછી પુનઃપ્રાપ્ત કરી શકાય છે?
ના, બેટરી હેલ્થ એકવાર ઘટી જાય પછી તેને પાછી પહેલા જેવી બનાવી શકાતી નથી. પરંતુ આપણે યોગ્ય ટેવો અપનાવીને તેના ક્ષયને ધીમું કરી શકીએ છીએ.
2. આખી રાત ફોન ચાર્જ કરવું ખરાબ છે?
હા, ખાસ કરીને “ટ્રિકલ ચાર્જિંગ”ના કારણે. એ બેટરીને લાંબા ગાળે નુકસાન કરે છે.
3. ચાર્જિંગ દરમિયાન ફોન વાપરવોએ ખરાબ આદત છે?
હા, કારણ કે તે વધુ ગરમી પેદા કરે છે અને બેટરી ઉપર વધારાનું દબાણ આવે છે.
4. Wi-Fi અને Bluetooth ચાલુ રાખવાથી બેટરી ખર્ચાય છે?
હા, કેમ કે ફોન સતત નેટવર્ક અથવા ડિવાઈસ શોધતો રહે છે, જે બેટરી ખપત કરે છે.
5. Apps બંધ કરવાથી બેટરી બચે છે?
ના, બેકગ્રાઉન્ડમાંથી બધા Apps બંધ કરવાથી તેમને ફરીથી શરૂ કરવો પડે છે, જે વધુ બેટરી લે છે.
6. ડાર્ક થીમ વાપરવાથી બેટરી બચાવી શકાય છે?
OLED સ્ક્રીન વાળા ફોનમાં હા, પણ LCD સ્ક્રીનમાં ખાસ તફાવત નથી પડતો.











